હું ક્યાંથી પાણી ભરું.... અને... રૂમાલ મારો રંગદાર છે........
મારી સંગીતની દુનિયાની એક ઝલક
As a First Trial to put music on Wordpress, This Gazal can be listen on my another Wordpress Blog.: મોરપિચ્છ
ન આવ્યું આંખમાં આંસુ, વ્યથાએ લાજ રાખી છે
દવાની ગઇ અસર ત્યારે, દુવા એ લાજ રાખી છે
તરસનું માન સચવાયું ફક્ત, તારા વચન ઉપર
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે
ઘણું સારું થયું આવ્યા નહીં, મિત્રો મને મળવા
અજાણે મારી હાલતની, ઘણા એ લાજ રાખી છે
પડી ‘કૈલાસ’ના શબ પર, ઉડીને ધૂળ ધરતીની
કફન ઓઢાળીને મારી, ખુદાએ લાજ રાખી છ
આજે તો નવરાત્રી સુધરી ગઇ... ખરેખર તો આવનારા બધા જ દિવસો થોડે અંશે સુધરી ગયા..
થોડી વિગતે વાત કરું. ( આશા છે કે તમે કંટાળી ના જશો. ) મારું ગુજરાતી સંગીત, ગઝલ પ્રત્યે જે રુચી છે, એમાં એક મોટો ફાળો મનહર ઉધાસને કંઠે સાંભળેલી ગઝલો નો. મને યાદ છે, સુરત યુનિવર્સિટીમાં કંઇ કામ હતુ, ત્યારે ઉત્કર્ષ સાથે વાત કરતા કરતા ખબર પડી કે એ ગુજરાતી ગઝલો સાભળે છે. ત્યાં સુધી તો મેં ફક્ત મારા પપ્પાના રેકોર્ડ કરાવેલા જુના ગુજરાતી ગીતો જ સાંભળેલા. એણે મને સોલીભાઇની 'તારી આંખનો અફીણી' સાંભળવા આપી, અને મનહર ઉધાસની 'અવસર' સાંભળવાની ખાસ સુચના આપી. અને પછી તો એક પછી એક એમ ઘણી બધી વાર શ્રી મનહર ઉધાસના કંઠે ગુજરાતી ગઝલો સાંભળી છે... એની પુરેપુરી મઝા લીધી છે..
ઘણા વખતથી મને ઇચ્છા હતી કે શ્રી મનહરભાઇની પરવાગી લઉં, મારા ટહુકા પર એમની ગઝલો મુકવા માટે.. અને આપણા ગુજરાતીમાં કહેવત છે ને, 'મન હોય તો માળવે જવાય'. એમ આજે ઘણી મહેનત પછી મનહરભાઇ સાથે વાત થઇ ગઇ.. એમની સાથે વાત કરતી વખતે તો જાણે માનવું મુશ્કેલ હતું.. હું ખરેખર એમની સાથે જ વાતો કરી રહી છું?
અને ખુશીની વાત એ છે કે એમણે મને પરવાનગી આપી, એમની ગઝલો ને મારા ટહુકા પર મુકવાની. ( એમને પૂછ્યા વગર એમની 1-2 ગઝલ ટહુકા પર મુકી છે આગળ, જેના માટે હું એમની માફી માંગું છું. )
શ્રી મનહર ઉધાસના કંઠે ગવાયેલી મારી ઘણી બધી ગમતી ગઝલમાંથી આ એક.. અને મેં એવા ઘણા લોકો પણ જોયા છે કે જેમને ગુજરાતી ગઝલ યાદ કરવાનું કહો તો સૌથી પહેલા ( અને કદાચ એક માત્ર ) આ જ ગઝલ યાદ કરે. એક એવા મિત્રને પણ ઓળખું છું, જે મનહર ઉધાસના કાર્યક્રમમાં ફક્ત આ એક ગઝલ સાંભળવા માટે જાય છે.
આજથી તો નવરાત્રી શરુ.. ( જોકે ઘણા માટે તો હવે બીજો દિવસ પણ આવી ગયો છે. ) તો ચાલો.. આજે તો એક કલાક સુઘી ગરબાની રમઝટ બોલાવીએ. જો નવરાત્રી સિવાય ગરબા સાંભળવાના હોય, તો આવા નોન-સ્ટોપ ગરબા કરતા મને એક એક ગરબો આખો સાંભળવો વધારે ગમે. પરંતુ નવરાત્રીમાં એક પછી એક ગરબો આવતો રહે અને આપણે નાચતા રહીએ.. એની જ મઝા છે. અને આજે અહીં જે ગરબા મૂક્યા છે, એમાં એક ખાસિયત એ છે કે એમાં દરેક ગરબાની 2-3 કડીઓ છે... એટલે બીજા બધા નોન-સ્ટોપ ગરબાની સરખામણીએ એક ગરબો વધારે વાર સાંભળવા મળે. અને બીજો ફાયદો એ કે ઘણા ગરબા, જેની આજ સુધી એક જ કડી સાંભળી હોય, એ ગરબાની કોઇ નવી કડી સાંભળવા મળે.
હું જયારે 8 મા ધોરણમાં હતી, ( કદાચ 9મા ધોરણમાં ) ત્યારે સૌથી પહેલી નોન-સ્ટોપ ગરબાની કેસેટ સાંભળેલી. ભાઇ લઇ આવેલો કશેથી. '49 નોન-સ્ટોપ ઘમાલ ગરબા' એવું કંઇક ટાઇટલ હતું. એ કેસેટ તો સાચા અર્થમાં સાંભળી સાંભળીને ઘસી નાખી હતી. બીજા વર્ષે કદાચ 'ખેલૈયો' આવી હતી. પછી તો ભાઇએ એવી ઘણી બધી કેસેટ ભેગી કરી હતી. ધીમે ધીમે નોન-સ્ટોપ ગરબાનો ક્રેઝ થોડો ઓછો થયો. પછી તો નવી કેસેટ આવવાની બંધ થઇ.. કારણ કે બધામાં લગભગ સરખું જ હોય.. પણ ખાસ કરીને નવરાત્રીના સમયે હજુ પણ મઝા આવે.
બધાને મારા તરફથી નવરાત્રીની શુભકામનાઓ. ( મારા બાળપણના, અતુલની સુવિધા કોલોનીના ગરબાની વાતો કરવી છે.. પણ 2-3 દિવસ પછી.. આજે તો બસ ગરબાની મઝા જ લઇએ.... )
આવતા શનીવારથી તો નવરાત્રી શરુ થાય છે. ગુજરાતમાં તો ઘણા સમયથી માહોલ સર્જાવાનું શરૂ થઇ ગયું હશે. નોન-સ્ટોપ ગરબાની નવી કેસેટ ( અને હવે તો સીડી ) બજારમાં આવી જાય, જ્યાં જુઓ ત્યાં નવરાત્રી માટેના કપડા અને ઘરેણા... મેદાનોમાં સ્ટેજ બંધાવાના શરૂ જાય..
આમ તો ઘ્યાન હતું કે નવરાત્રી આવે છે, પણ કાલે એક મિત્ર સાથે વાત કરી ત્યારે ખબર પડી, કે અરે... આ નવરાત્રી તો આવતા શનીવારથી જ છે. અમેરિકામાં પણ નવરાત્રી તો થાય જ છે, અને ગયા વર્ષે સેન ફ્રાંસિસ્કોની નવરાત્રી માણી પણ હતી, પરંતુ.. ફરક ખબર પડી જાય છે. અતુલ કોલીનીની ગણેશ ચતુર્થીની વાત કરી હતી ને, એમ જ એક દિવસ ત્યાંની નવરાત્રીની પણ વાત કરીશ.
આજે તો નવરાત્રી શરૂ થવાની તૈયારી રૂપે થોડા ગરબા સાંભળીયે.
સ્વર : હેમંત ચૌહાણ
સંગીત - મેહુલ સૂરતી
સ્વર - અમન લેખડિયા
સૂરત શહેરને પૂરના પાણીથી થયેલ ખાનાખરાબીની ઘીમે ધીમે મરામત થઈ રહી છે. પણ ખરું નુકશાન તો માલસામાનને થયેલા નુકશાનથી ક્યાંય વધારે છે. આવી પરિસ્થિતિમાંથી જે લોકો પસાર થાય એમના દિલ અને દિમાગને જે હાની પહોંચી હોય છે એની સારવાર કરવી ખૂબ કપરું કામ છે. આવા કપરા કાળમાંથી પસાર થનાર વ્યક્તિના માનસને થતી વિપરીત અસર માટે તબીબો Post Traumatic Stress Disorder એવું નામ આપે છે. આખા શહેરના દિલ પર લાગેલ જખમની સારવાર કરવી તો પણ કઈ રીતે એ મોટો સવાલ છે.
સૂરતના મનોરોગ તજજ્ઞ અને જાણીતા કવિ મુકુલ ચોકસીએ આ દિશામાં એક નવો પ્રયોગ કર્યો છે. એમણે સૂરતના જખ્મી ખમીરને જગાડવા માટે એક ખાસ ગીત લખ્યું છે. જે સૂરતના જ સંગીતકાર મેહુલ સૂરતીએ સ્વરબદ્ધ કર્યું છે અને ગાયું છે અમન લેખડિયાએ. આ પ્રકારનો આ પહેલો જ પ્રયોગ છે. આના વિષે વધુ માહિતી ટાઈમ્સ ઓફ ઈંડિયાના આ લેખમાં છે.
(આભાર : લયસ્તરો)
તમે પણ સાંભળો સૂરતના ઘા મટાડતું આ ગીત.
'કિનારા' ની કેસેટ પહેલી વાર સાંભળી, ત્યારે જ આ ગીત સૌથી પહેલી વાર સાંભળ્યું. અને ત્યારે તો વગર દિવાળીએ બોનસ મળ્યાની લાગણી થયેલી. કારણકે 'આંઘી' અને 'કિનારા'ની એ કેસેટ લીઘી હતી 'તેરે બીના ઝિંદેગીસે..., તુમ આ ગયે હો..., નામ ગુમ જાયેગા..., ઇસ મોડસે જાતે હૈ.. વગેરે ગીતો સાંભળવા માટે.
ભુપિન્દર અને હેમા માલિનીના અવાજમાં આ ખરેખર ગીત છે કે વાતચીત, એવો સવાલ થાય.. અને ખરેખર થોડી વાર માં સાંભળવા પણ મળે.. 'ચિઠ્ઠી હૈ યા કવિતા ? '
આમ તો આમાં કઇ ઘણી લાગણીસભર વાતો નથી, જે સામાન્ય રીતે આવા ઘીમા ગીતોમાં હોય છે. પરંતુ આ ગીતની છેલ્લી કડી, 'જબ તુમ્હારા યે ખ્બાવ દેખા થા...' એક સાથે ઘણું બધું કહી જાય છે.
વાદ્યસંગીતનો મારો શોખ મને ભાઇ તરફથી મળ્યો છે (બીજા ઘણા શોખની જેમ જ તો.. ). આમ તો ભાઇ પાસે સારો સંગ્રહ હતો, પણ એમના જન્મદિવસે એક વાર એમને આ Call of the Valley આપી હતી. શિવકુમાર શર્મા, હરીપ્રસાદ ચૌરસિયા, અને બ્રિજભૂષણ કાબરા જેવા દિગ્ગજો એક સાથે હોય, એટલે વાદ્યસંગીતના કોઇ પણ શોખીનને તરત ગમી જાય એવું સરસ આલ્બમ બને જ.
આ જે ટ્રેક અહીં મૂક્યો છે, એમાં સંતુર, તબલા અને વાંસળી એક સાથે સાંભળવાની ખરેખર મઝા આવે એવું છે. એક્દમ ધીમેથી, અને ફક્ત સિતાર(?) સાથે ચાલુ થતો આ ટ્રેક શરૂઆતમાં કદાચ બોરિંગ લાગે... પણ પછી જમણી બાજુ વાંસળી સંભળાય, અને જાણે સામે બેસીને પંડિત શિવકુમાર સંતુર વગાડે છે.
અને લગભગ અડધે પહોંચીને એવો તો સરસ વાંસળીનો અવાજ ગુંજે કે કાનુડાની વાંસળી યાદ આવી જાય.. જમણી બાજુ સંતુર, ડાબી બાજુ સિતાર, અને સામેથી તબલા અને વાંસળી... એક જ સુર પેલ્લા અલગ અલગ વાદ્ય પર સંભળાય, અને પછી બધા એક સાથે... વાહ.. લાજવાબ.