તમે અહીંયા રહો તો ... - ભાગ્યેશ જહા
થોડા દિવસો પહેલા બે સરખા જેવા ગીતો એક સાથે મોરપિચ્છ અને ટહુકો પર મૂકેલા; ( અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં - ભાગ્યેશ જહા અને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં - હરીન્દ્ર દવે )
આજે પણ કંઇક એવું જ.... "તમે અહીંયા રહો તો ... " અને "તમે વાતો કરો તો.." સુરેશ દલાલના હસ્તાક્ષરમાં "તમે વાતો કરો તો.. " સ્વરબધ્ધ થયેલું છે, એટલે ઘણાં એ કદાચ સાંભળ્યું હશે. અને 'તમે અહીંયા રહો તો, 'ભાગ્યેશ જહા'ની બીજી રચનાઓ સાથે 'આપણા સંબંધ' આલ્બમમાં સોલીભાઇએ ખૂબ સરસ ગાયું છે.
સ્વર : સોલી કાપડિયા
Get music codes at Bolt.
તમે અહીંયા રહો તો મને સારું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે
તમે આંખોથી આંસુ નીચોવી લીધું
આ વાદળને રડવાનું કાનમાં કીધું
તમે આવજો કહીને પછી આવશો નહીં
તમે ભૂલવાની ભ્રમણામાં ફાવશો નહીં
આ શબ્દોને ઉંડું એક વળગણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે
હવે સૂરજ આથમશે તો ગમશે નહીં
આ સપનાનો પગરવ વર્તાશે નહીં
રાતે તારાને દર્પણમાં ઝીલશું નહીં
અને આભ સાથે કોઇ'દિ બોલશું નહીં
મારા દર્દોનું એક મને મારણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે
એક પંખી સૂરજ સામે સળગી જશે
એના સપનાઓ વીજળીમાં ઓગળી જશે
તમે ચીરી આકાશ ક્યાંય ઊડતા નહીં
આ ખારા સાગરને ખૂંદતા નહીં
અહીં વરસાદે વરસાદે ભીનું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે
અહીં ઉપવનમાં આંસુના ઉગશે બે ફૂલ
આંખ રડશે કે તડકામાં સળગી 'તી ભૂલ
તમે આશાની આશામાં રડશો નહીં
તમે હસવામાં હસવાનું ભરવાનું નહીં
અહીં વૃક્ષોનું ડોલવાનું કાયમ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home