ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Wednesday, August 16, 2006

આ નભ ઝૂક્યું તે કાનજી - પ્રિયકાંત મણિયાર

આમ તો પ્રભૂ એક જ છે, અને જુદાં જુદાં તો ફક્ત એના નામ છે.. આ વાત હું પણ માનું છું, અને તો યે પ્રભૂનું 'કાનુડા'નું રૂપ મને ધણું વધારે વ્હાલું. ધણાં વર્ષો પહેલા દૂરદર્શન ગુજરાતીના એક કાર્યક્રમમાં 'આશિત દેસાઇ અને હેમા દેસાઇ'ના કંઠે આ ગીત સૌથી પહેલી વાર સાભળ્યું, અને તરત જ સીઘું દિલમાં કોતરાઇ ગયું. પછી તો ધણં શોધ્યું, પણ કોઇ કેસેટમાં મળ્યું જ નહીં. (ઓડિયો સીડી ત્યારે આટલા ચલણમાં નો'તી.) લગભગ 3-4 વર્ષ પહેલા ચિત્રલેખાના કોઇ અંકમાં 'પ્રભાતના પુષ્પો' વિભાગમાં જ્યારે આ કાવ્ય લખાયું, ત્યારે તો એવું થયું, કે આ અંકમાં બીજું કંઇ પણ ના હોય તો યે ચાલે. હું તો આ ગીતના શબ્દો મેળવીને જ ખુશ હતી, ત્યાં તો અચાનક એક દિવસ 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કેસેટમાં આ ગીત સાંભળવા પણ મળ્યું. વાહ વાહ... ત્યારે જે ખુશી થઇ હતી, એને શબ્દો આપવાનું મારી આવડતની બહાર છે...

આજે જન્માષ્ટમી. આજે ટહુકા પર કાનુડા સિવાય બીજું કશું તો ક્યાંથી હોય ?
સ્વર : સૌમિલ, આરતી મુન્શી.

Upload music at Bolt.


આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે,
આ સરવરજળ તે કાનજી
ને પોયણી તે રાધા રે,
આ બાગ ખીલ્યો તે કાનજી
ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી
ને કેડી ચડે તે રાધા રે,
આ ચાલ્યાં ચરણ તે કાનજી
પગલી પડે તે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે,
આ દીપ જલે તે કાનજી
ને આરતી તે રાધા રે,
આ લોચન મારાં કાનજી
ને નજરું જુએ તે રાધા રે !

2 Comments:

At 8/16/2006 01:21:00 PM , Blogger manvant said...

અતિસુંદર !અભિનંદન !
.હું એ કેસેટ વસાવવાનો પ્રયત્ન કરીશ !પ્રકૃતિમાં ઈશ્વરને નિહાળવાની તમન્ના કેવી અસર-
કારક છે !સરવરજળ,પોયણી,બાગ, પર્વત,દીપ
અને અંતે લોચન કાનજી અને નજરું રાધા !વાહ કવિ !આ પગલી...માં બે વાર 'તે' છે.

 
At 8/16/2006 07:26:00 PM , Anonymous Anonymous said...

ગીત પેહલા ની પ્રસ્તાવ્ના ખૂબ જ સરસ અને ભાવ-પ્રચુર હતી.

ગીત પણ એટલુ જ કર્ણ પ્રિય!

મીતલ

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home