ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Tuesday, June 20, 2006

કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી

( શ્રી ચેતનભાઇનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ ગીત અહીં પ્રસ્તુત કરવાની પરવાનગી આપી. એમના કંઠે ગવાયેલા લોકગીતોની CD "લોકસાગરનાં મોતી" માથીં આ ગીત લેવાયું છે, જેની વિગત માટે comments જુઓ )





લાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. - રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. - રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ - રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. - રાજ...

પિડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. - રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. - રાજ...

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !

2 Comments:

At 6/20/2006 12:33:00 PM , Blogger Jayshree said...

ગાયક : ચેતન ગઢવી

મ્યુઝિક એરેંજર : સંજય ધકાણ


લોકસાગરના મોતી - 1

1 - ગુરૂજીના નામની માળા છે ડોકમાં
2 - જપલે હરી કા નામ
3 - મેરુ તો ડગે પણ જેના મન ના ડગે
4 - કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી
5 - હે જગ જનની, હે જગદંબા
6 - શું પુછો છો મુજને કે હું શું કરું છું
7 - મેલી મત જા મને એકલી વણઝારા
8 - રામ સુમર સુખ ધામ જગત મેં

લોકસાગરના મોતી - 2

1 - મોરબીની વાણીયણ
2 - કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપડી
3 - ઝટ જાઓ ચંદન હાર લાઓ, ઘુંઘટ નહીં ખોલું
4 - પાપ તારુ પ્રકાશ જાડેજા
5 - લેશો નિશાસા પરણેતરના
6 - પેલા પેલા જુગમાં રાણી
7 - હાલી હાલી હું યે થાકી
8 - કસુંબીનો રંગ

લોકસાગરના મોતી - 3

1 - કાનુડો માંગ્યો દેને યશોદા મૈયા
2 - મારું વનરાવન છે રૂડું
3 - એક ઝાડ માથે ઝુમખડું
4 - ખમ્મા મારા નંદજીના લાલ
5 - શિવાજીનું હાલરડું
6 - ચાંદો ઉગ્યો ચોકમાં
7 - અમે મૈયારા રે, ગોકુળ ગામના
8 - મોર બની થનગાટ કરે મન

(if interested in purchase of this collection, send email to jsh@rediffmail.com with your contact details )

 
At 8/17/2006 11:45:00 AM , Anonymous Anonymous said...

Zaverchand Meghani...as always the words he uses make you proud of being a Gujarati...you can feel "khumari" in his words. This is a sign of great poetry, where the words take front stage. the music is there to support the song, but one doesn't even notice it. Gr8 one !

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home