ટહુકો

મારી સંગીતની દુનિયાની એક ઝલક

Saturday, June 17, 2006

એવું કાંઇ નહીં ! - ભગવતીકુમાર શર્મા


હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !

ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

કોઇ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઇ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઇના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમ્રોમે સંવાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !



( આ રચના સોલી કાપડિયા ના આલ્બમ "પ્રેમ એટલે કે..." માં સ્વરબધ્ધ્ થયેલી છે, જે અહીં ક્લિક કરવાથી સાંભળી શકશો. )

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home